૨૦૦ થી પણ વધારે ગૌશાળા નું નિર્માણ કરનાર પરમ પૂજ્ય કિશોરચંદ્રબાવાશ્રી પંચમહાભૂતમાં થયા વિલીન, પોતાનું સંપૂર્ણ જીવન ગૌમાતાની સેવા માં કર્યું પસાર

જુનાગઢ મોટી હવેલી ના વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય શ્રી કિશોરચંદ્રજી મહારાજ નું  ૮૪ વર્ષની ઉંમરે નિધન થયું છે. થોડા સમય પહેલાં જ મુંબઈમાં તેમની સારવાર ચાલુ હતી ત્યારબાદ થોડા સમયની બીમારી પછી જ તેમણે તેમના અંતિમ શ્વાસ લીધા છે. આ સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સૌરાષ્ટ્રના ગામોમાંથી વૈષ્ણવ જૂનાગઢ આવી પહોંચ્યા હતા. તેમજ ઘણા લોકોએ દુકાન બંધ રાખીને શોક પ્રગટ કર્યો હતો.

પુષ્ટિ સંસ્કાર સંસ્થાના ટ્રસ્ટી સંજયભાઈ કોરડીયા એ જણાવ્યું હતું કે શ્રી કિશોરચંદ્ર બાવા શ્રીની અંતિમયાત્રા  મોટી હવેલી થી નીકળી હતી. તેથી મોટી હવેલી બહાર વૈષ્ણવની ભીડ જમા થઇ ગઇ હતી. તેમની અર્થી પસાર થાય એ પહેલાં વૈષ્ણવ જન એ માર્ગ પર જળનો છંટકાવ કર્યો હતો અને પુષ્પો બિછાવી પુષ્પાંજલિ આપી હતી.

જે માર્ગ પરથી બાવાશ્રી ની અંતિમયાત્રા પસાર થઈ હતી ત્યાં ઘરની બાલ્કની, બારીઓ, અગાસીઓમાં વૈષ્ણવ જનો તેમના અંતિમ દર્શન કરવા માટે ઉમટ્યા હતા. તેમના પુત્ર પિયુષ બાવા એ તેમને કાંધ આપી અને અંતિમ વિદાય આપી હતી. સ્મશાનમાં જૂનાગઢના મેયર ધીરુભાઈ ગોહેલ, પૂર્વ મંત્રી જવાહરભાઈ ચાવડા, ધારાસભ્ય ભીખાભાઈ જોષી, હર્ષદભાઈ રીબડીયા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ સહિતના અનેક મહાનુભાવો એ ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી.

જ્યારે વંથલી અને સૌરાષ્ટ્રના અન્ય ગામના વેપારીઓએ બપોર પછી દુકાન બંધ રાખીને શોક વ્યક્ત કર્યો હતો. કિશોરચંદ્ર બાવાશ્રી ગાય પ્રત્યે ખૂબ જ પ્રેમ ધરાવતા હતા. જ્યારે ૮૦ માં દાયકામાં દુષ્કાળ પડયો હતો ત્યારે સૌરાષ્ટ્રના ૨૦૦થી વધારે ગામમાં તેમને પુરૂષોતમલાલજી ગૌશાળા શરૂ કરી હતી.

આ ક્ષેત્રની બધી જ ગાય માતાઓને ઘાસચારાની અને અન્ય સેવા પૂરી પાડી હતી. આ ગૌશાળા નું સંચાલન ગામના ટ્રસ્ટને સોંપવામાં આવ્યું હતું. જ્યારે અંતમાં પૈસાની તંગી થઈ ત્યારે તેમણે ગળામાં પહેરેલો સોનાનો ચેન પણ ગાય માટે ઘાસચારો ખરીદવા માટે ઉતારીને આપી દીધો હતો.

દુનિયાભરમાં ૨૩૦ થી પણ વધુ પુષ્ટિ સંસ્કાર પાઠશાળાઓ કિશોરચંદ્ર બાવા શ્રી એ શરૂ કરી છે. જેમાં ૧૪ હજારથી પણ વધારે બાળકો હિંદુ સંસ્કૃતિ અને ભગવદ્ ગીતા નું શિક્ષણ મેળવે છે. અમેરિકા, કેનેડા, યુરોપના દેશોમાં પણ આ પાઠશાળાઓ ચાલે છે. જુનાગઢ મોટી હવેલી માં ગાદીપતિ તરીકે ચાર દાયકાઓ પહેલા કિશોરચંદ્ર બાવાશ્રી નું તિલક થયું હતું.

જૂનાગઢના પુરુષોત્તમ લાલજી મહારાજ અને ચંદ્રપ્રભા વહુજી એ લાલન તરીકે કિશોરચંદ્ર બાવા શ્રી ને ગોદ લીધા હતા. કહેવાય છે કે તેઓ મૂળ કચ્છ માંડવી ની ગાદી ના હતા. તેમના પરિવારમાં તેમના પત્ની કુંજલતા વહુજી, પુત્ર પિયુષ બાવા, પુત્રવધુ પદ્મશ્રી વહુજી, કવિતા રાજા અને પ્રીતિ રાજા પુત્રીઓ, પૌત્ર વ્રજ વલ્લભ બાવા અને પુણ્યશ્લોક બાવા અને એક પૌત્રી સ્વસ્તિ રાજા બેટીજી છે.

લગભગ દોઢ દાયકા પહેલા તેમણે ૨ કરોડના ખર્ચે વાડલા ખાતે અધતન ગૌશાળા બનાવી છે. દિલ્હી આઇઆઇટી દ્વારા ત્યાં ગૌમુત્ર પર રિસર્ચ કરાયું હતું. આ ગૌ શાળામાં આજે ૪૫૦ થી પણ વધારે ગાયો છે. જૂનાગઢના સેંકડો પરિવારો આ ગૌશાળામાંથી દેશી ગાયનું દૂધ અને ઘી મંગાવે છે. કિશોરચંદ્ર બાવા શ્રી નું જીવન સરળ અને સાદગી ભર્યું હતું. તે પોતાના રૂમમાં જમીન પર ગાયનું છાણ લિપિને તેના પર જ આરામ કરતા હતા. તેમનું આખું જીવન ગૌમાતાની સેવા માં જ પસાર થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *