રાજકોટમાં મહિલાએ પોલીસ પાસે આઈકાર્ડ માંગ્યું તો ટો કરાવી દીધી મહિલાની કાર

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી જ્યાં એકબાજી પોલીસકર્મીઓને ટ્રાફિક નિયમ તોડનારી વ્યક્તિ કોઈ મોટો અપરાધી નથી, તેની જોડે માનવતાપૂર્વક વ્યવહાર થવો જોઇએ એવી ટકોર કરી રહ્યા છે, તો બીજી તરફ રાજકોટમાં એક એવી ઘટના બની છે જે આ નિવેદનથી તદ્દન વિપરીત છે.

મહિલાના પોલીસને પૂછાયેલા એક નાનકડા પ્રશ્નના ઉત્તર સ્વરૂપે નિયમભંગના ઓઠા હેઠળ ટ્રાફિક કર્મી એની સાથે તાલિબાની વલણ અપનાવતો જોવા મળે છે. વાત જાણે એમ છે કે જ્યારે મહિલાએ ટ્રાફિક કોન્સ્ટેબલનું આઈ-કાર્ડ માગ્યું તો કોન્સ્ટેબલે ગુસ્સે ભરાઈને મહિલાઓની કાર ટો કરાવી હતી.

મહિલાઓ મુશ્કેલીમાં મુકાઈ જતાં એક તબક્કે ચોધાર આંસુએ રડી પડી હતી.

મળેલી માહિતી અનુસાર અમદાવાદની ચાર મહિલાઓ રાજકોટ આવીને પરત જતી હતી. એ સમયે ગ્રીન લેન્ડ ચોકડી પાસેના પાણીના ટાંકા પાસે પહોંચતા ત્યાં ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચેકીંગ ચાલુ હોવાથી તેમની કારને રોકવામાં આવી હતી અને તેમની પાસે પીયુસી, ડ્રાઈવીંગ લાયસન્સ વગેરે દસ્તાવેજો માંગવામાં આવ્યા હતા.

દસ્તાવેજની માંગણી થઈ એની સામે એક મહિલાએ ટ્રાફિક બ્રાન્ચના કોન્સ્ટેબલ કે જેનું નામ હસમુખ રાઠોડ હતું, તેની પાસેથી તેનું આઈ-કાર્ડ માંગ્યું એ સાથે જ હસમુખ રાઠોડનો અહમ ઘવાયો હતો અને તેણે કાર ડીટેઈન કરવાની કાર્યવાહી શરૂ કરી હતી જેને પરિણામે ભારે માથાજીક થઈ હતી.

રાજકોટ શહેર ડીસીપી ઝોન 1 - પ્રવીણકુમાર મીણા.

 

કાર ટોઇંગની વાત આવી એટલે મહિલાઓ કારમાંથી ઉતારવા તૈયાર થઈ ન હતી. આખરે ટોઈંગ વાન મંગાવી તેમની કાર ટો કરવાનું શરૂ કરાયું હતું તેમ છતાં મહિલાઓ કારમાંથી ઉતરી ન હતી. આ અંગે મહિલાઓએ કહ્યું હતું કે કારમાં બેઠેલી એક મહિલાની માનસિક હાલત બરાબર નથી આમ છતાં ટ્રાફિક પોલીસે તેની તરફ ધ્યાન આપ્યું ન હતું.

આ સમગ્ર ઘટનાની જાણ થતા પીસીઆર વાન અને બીજા પોલીસના માણસો પણ ત્યાં આવી પહોંચ્યા હતા . ત્યાર બાદ તેમણે ટ્રાફિક બ્રાન્ચના કોન્સ્ટેબલ રાઠોડને કાર ટો કરવાને બદલે હાજર દંડ વસુલ કરવાની વિનંતી કરી હતી. પરંતુ તે એકનો બે થયો ન હતો અને પોતાનું અપમાન થયું છે એની જીદ પકડી કોઈ પણ સંજોગોમાં કાર ટો કરવાની જીદ પકડી રાખી હતી.

હસમુખ રાઠોડની મોટરસાઇકલ પર જ નંબર પ્લેટ નહોતી

ઘટના સ્થળે ભેગી થયેલી ભીડે પોલીસના આ વલણનો હુરિયો બોલાવ્યો હતો, એની સામે પણ પોલીસ લાકડી લઈને દોડી હતી. આખરે ટ્રાફિક બ્રાન્ચના પીએસઆઇ જેબલિયા ત્યાં પહોંચ્યા હતા અને એમને મહિલાઓને સમજાવી હતી. મહિલાઓની કાર ટો કરીને શીતલ પાર્ક લઈ જવામાં આવી હતી અને ત્યાં દંડ વસુલવામાં આવ્યા બાદ કાર છોડવામાં આવી હતી. નવાઈની વાત એ છે કે કાયદા કાનૂનના જાણકાર ગણાવતા કોન્સ્ટેબલ હસમુખ રાઠોડની બાઇક પર જ નંબર પ્લેટ નહોતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *